જંબુસર ઝેન સ્કૂલ ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
જંબુસર ઝેન સ્કૂલ ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત જંબુસર તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ઝેન સ્કુલ અણખી ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયું હતું. જેમાં પાંચ વિભાગમાં 50 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
ઝેન સ્કૂલ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, ઝેન સ્કૂલ ટ્રસ્ટી મેઘ વૈદ્ય, ટીપીઓ વિપુલભાઈ, જિલ્લા સંઘ પ્રમુખ પ્રદિપસિંહ રણા, રાજ્ય સંઘ ઉપપ્રમુખ દિનેશભાઈ મકવાણા, બીઆરસી અશ્વિનભાઈ પઢીયાર, ઝેન ડિરેક્ટર અનુભા નેગી,મહામંત્રી શંકરભાઈ પઢીયાર, જિલ્લા ઉપપ્રમુખ હરદીપસિંહ યાદવ સહિત ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય,વંદે માતરમ સામૂહિક ગાનથી કરવામાં આવ્યો હતો. અમૃતભાઈ પઢિયાર દ્વારા વિજ્ઞાન પ્રદર્શન ની માહિતી આપતા જણાવ્યું કે વિકસિત અને આત્મનિર્ભર ભારત થીમ હેઠળ પાંચ વિભાગ જેમાં ટકાઉ ખેતી, કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, હરિત ઉર્જા ગ્રીન એનર્જી, મનોરંજક સંબંધિત ગણિતીક મોડલિંગ, જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન મળી 50 કૃતિઓ 50 માર્ગદર્શક શિક્ષકોના માર્ગદર્શનમાં 100 બાળકોએ ભાગ લીધો છે.
આ પ્રસંગે ધારાસભ્ય ડી કે સ્વામીએ જણાવ્યું કે આજનું બાળધન ટેકનોલોજી વાળું છે, તેની સંભાળ રાખવાની છે.બાળકોમાં રહેલી શક્તિ, ઊર્જાને જાગૃત કરવાની છે, જે બાળ વૈજ્ઞાનિક મેળા દ્વારા થાય છે. આ બાળકો ભારત દેશને આગળ લઈ જશે ભણતર સાથે ઘડતર, સંસ્કાર, અને રાષ્ટ્રભાવના જરૂરી છે.
ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે તમારામાં પાવર છે, ખુદ પર વિશ્વાસ કરો તથા બાળકોએ ફાસ્ટ ફૂડ,જંક ફૂડ નો ઉપયોગ ટાળી પૌષ્ટિક આહાર લેવા જણાવ્યું અને વૈજ્ઞાનિક પ્રદર્શન થકી બાળ વૈજ્ઞાનિકો થાય છે તેમ જણાવી ગણિત,વિજ્ઞાન, અંગ્રેજી મજબૂત હોય તો આગળ વધી શકાય તે અંગે માનનીય અબ્દુલ કલામ મિસાઈલ મેન સહિત વૈજ્ઞાનિકોને યાદ કર્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ આચાર્ય નીલમ પંડિત દ્વારા કરવામાં આવી અને ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું.
સદર કાર્યક્રમમાં કોષાધ્યક્ષ ઈકબાલભાઈ પટેલ, શિક્ષક જ્યોત સંપાદક મંડળ બંકિમભાઇ પટેલ, બી.આર.સી. આસિફભાઈ પટેલ, સંજયભાઈ ઠાકોર,જનકભાઈ પટેલ સહિત વિવિધ શાળાના આચાર્ય, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.