માત્ર દેખાવ પૂરતું સમારકામ, આમોદના NH-64 પર પ્રજાના પૈસાનું પાણી! જવાબદારો ક્યાં છે?
માત્ર દેખાવ પૂરતું સમારકામ, આમોદના NH-64 પર પ્રજાના પૈસાનું પાણી! જવાબદારો ક્યાં છે?
ભરૂચ જિલ્લાના આમોદ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 64 પર ચાલી રહેલી કામગીરીએ તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારની નીતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. લાંબા સમયથી મલ્લા તલાવડીથી ભત્રીસી નાળા સુધીનો માર્ગ અત્યંત ખખડધજ હાલતમાં હોવા છતાં હવે જે સમારકામ શરૂ કરાયું છે. તે માત્ર દેખાવ પૂરતું હોવાના આક્ષેપો સાથે વાહનચાલકોમાં ભારે રોષ ફેલાયો છે. રોડની ગુણવત્તા બાબતે અગાઉ પણ અનેક સવાલો ઉઠ્યા છે. અને કરોડોના ખર્ચે બનેલો આ માર્ગ થોડા જ સમયમાં તૂટી જવાની ઘટનાઓ સામે આવી હતી. જોકે, આ વખતે જે દ્રશ્યો સામે આવ્યા છે તે વધુ ચિંતાજનક છે. વાહનચાલકોની હાલાકી દૂર કરવાના નામે માર્ગ ઉપર માત્ર છૂટાછવાયા મેટલ પાથરવામાં આવી રહ્યા છે. જે સમસ્યાને હળવી કરવાને બદલે વધુ ગંભીર બનાવી રહ્યા છે. આ કામગીરીને કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને તેઓ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. અહીં સૌથી મોટો સવાલ એ છે કે આટલી મહત્ત્વની કામગીરી દરમિયાન સ્થળ પર એક પણ એન્જીનીયર કે કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોતા આનાથી સ્પષ્ટ થાય છે કે કામની ગુણવત્તા પર કોઈ દેખરેખ રાખવામાં આવી રહી નથી અને પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે.
જ્યારે એક મીડિયાકર્મી દ્વારા આ બેદરકારીભરી કામગીરી અંગે સ્થળ પર હાજર કામ કરી રહેલા કર્મીઓને પૂછપરછ કરવામાં આવી ત્યારે તંત્રના પાપેરીયાનું શરમજનક દ્રશ્ય સામે આવ્યું હતું. કામ કરી રહેલ કર્મીઓ પોતાનું કામ છોડીને રીતસરના સ્થળ પરથી ભાગી ગયા હતા. આ ઘટના સાબિત કરે છે, કે આ કામગીરીમાં કંઈક છૂપાવવાનું છે. અને દેખરેખ રાખનાર અધિકારીઓની ગેરહાજરી ભ્રષ્ટાચારને મોકળું મેદાન આપી રહી છે. જો જવાબદારીપૂર્વક કામ થતું હોય તો અધિકારીઓ કેમ ગેરહાજર છે? અને જો કામ યોગ્ય હોય તો કર્મીઓ મીડિયાના સવાલથી કેમ ભાગી છૂટ્યા? આમોદ નેશનલ હાઇવે નંબર 64 પરની આ દેખાવ પૂરતી કામગીરી તંત્રની નિષ્ફળતા અને બેજવાબદારીનો જીવતો જાગતો પુરાવો છે. વહીવટી તંત્ર તાત્કાલિક આ બાબતે ગંભીર નોંધ લઈને ગેરહાજર રહેલા જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરે અને ખરેખર ગુણવત્તાસભર સમારકામ પૂર્ણ કરાવે તે અત્યંત જરૂરી છે. જો આમ નહીં થાય તો પ્રજાનો રોષ વધુ વકરશે અને અકસ્માતોની સંખ્યા વધતી રહેશે.****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)