આમોદ: ઇખર જિલ્લા પંચાયત બેઠક માટે ભાજપનો ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ, ધારાસભ્યએ આપી આત્મનિર્ભર ભારતની હાકલ
આમોદ: ઇખર જિલ્લા પંચાયત બેઠક માટે ભાજપનો ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ, ધારાસભ્યએ આપી આત્મનિર્ભર ભારતની હાકલ
આમોદ તાલુકાના ઇખર જિલ્લા પંચાયત બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આમોદ તાલુકાના દોરા ગામે એક ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દોરા ગામના સ્વામિનારાયણ મંદિર પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આમોદ-જંબુસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી દેવકિશોર સ્વામી અધ્યક્ષસ્થાને રહ્યા હતા. આ પ્રસંગે તાલુકા અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો, ભાજપના અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજર રહીને નવા વર્ષની શુભેચ્છાઓની ઉત્સાહપૂર્વક આપલે કરી હતી. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ દેશમાં થયેલા વિકાસ કાર્યોની વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે મોદી સરકારના પ્રયાસોથી દેશ નવા ભારતના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યો છે. તેમણે ઉપસ્થિત જનસમુદાયને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ માટે પ્રેરણા આપીને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે સૌને સંકલ્પબદ્ધ થવાની અપીલ કરી હતી. વધુમાં, ધારાસભ્યએ દોરા ગામમાં હળપતિ આવાસ યોજના હેઠળ ૩૦ જેટલા આવાસો મંજૂર થયાની જાહેરાત કરીને ગ્રામ વિકાસ તરફના મહત્વના પગલાની માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે, દેવકિશોર સ્વામીએ સૌ કાર્યકરો અને નાગરિકોને શુભેચ્છાઓ પાઠવીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લો વિકાસના નવા શિખરો સર કરશે.