ભરૂચ જિલ્લાના આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૬૪ હાલમાં અત્યંત દયનીય અને જીવલેણ પરિસ્થિતિમાં છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ માર્ગ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીનો જીવંત પુરાવો બની ગયો છે


ભરૂચ જિલ્લાના આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૬૪ હાલમાં અત્યંત દયનીય અને જીવલેણ પરિસ્થિતિમાં છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ માર્ગ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીનો જીવંત પુરાવો બની ગયો છે. હાઇવે પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય છે, જે વરસાદી પાણી ભરાતા તળાવ જેવી સ્થિતિ સર્જે છે, જેના કારણે સ્થાનિકોમાં આ વિસ્તાર હવે ખાડાઓનો ગઢ તરીકે જાણીતો બન્યો છે. આ રસ્તાનું માંડ ચારથી છ મહિના પહેલા જ થયું હોવા છતાં તેની આવી બિસ્માર હાલત સ્પષ્ટપણે કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓની મિલીભગત અને બેદરકારી સૂચવે છે. આ બિસ્માર રોડને કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓ ટેક્સ ભરવા છતાં કાદવ-કીચડ અને તળાવ જેવી હાલતમાં મુસાફરી કરવા મજબૂર છે, જેના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવું પડે છે. ટુ-વ્હીલર ચાલકોની હાલત સૌથી વધુ કફોડી છે, કારણ કે ખાડાઓ અને છૂટાછવાયા મેટલના કારણે તેઓ અવારનવાર પટકાઈને ઈજાઓનો ભોગ બને છે. તાજેતરમાં પણ એક મોપેડ ચાલક ખાડામાં પટકાતા અકસ્માતનો ભોગ બન્યો હતો. આ માર્ગ સતત અકસ્માતોનું કારણ બની રહ્યો છે, જેમાં ભૂતકાળમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને અસંખ્ય લોકો ઘાયલ થયા છે. રસ્તા પરના ખાડાઓની આપત્તિ ઉપરાંત, ધૂળની ઊડતી ડમરીઓ વાતાવરણને દૂષિત કરીને વાહનચાલકોના શ્વાસ રૂંધે છે.
નેશનલ હાઇવે નંબર ૬૪ની બિસ્માર હાલતથી માત્ર સ્થાનિકો જ નહીં, પરંતુ ભારે વાહનોના ચાલકો પણ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. એક ટ્રક ડ્રાઇવરએ જણાવ્યું હતું, કે તેઓ દહેજથી પ્રીતમપુર (ઇન્દોર) તરફ જઈ રહ્યા છે, તેમણે રોડની આ દશા જોઈને તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે ગાડીના ટાયર કે કમર ક્યારે તૂટી જાય તેની ખબર નથી. કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ હાઇવે માત્ર માટી અને મોરમ-પથ્થર નાખીને બનાવાયો હોય તેવું લાગે છે, જે ભ્રષ્ટાચારની ચરમસીમા છે. ડ્રાઇવરે કટાક્ષમાં કહ્યું કે આ રોડ નથી, પરંતુ ‘ગુલાબનું ફૂલ ખીલ્યું’ હોય તેવો માહોલ છે, જે હાઇવે પરના ખાડાઓની ગંભીરતા દર્શાવે છે. ટ્રક ચાલકો દ્વારા કરવામાં આવેલો આ સીધો આક્ષેપ દર્શાવે છે કે આ રસ્તો વાહનચાલકો માટે સતત એક પડકાર અને જોખમ બની રહ્યો છે. આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં, નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ જાણે ગાઢ નિંદ્રામાં હોય તેમ જણાય છે. તેઓ નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાને બદલે આંખ આડા કાન કરી રહ્યા છે, જે તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા દર્શાવે છે. તંત્ર દ્વારા માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવે છે, જેમાં છૂટાછવાયા મેટલ પાથરીને લોકોની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ થાય છે, જે આ સમસ્યાનું કાયમી નિરાકરણ નથી. પ્રજાની કડક માંગ છે કે તંત્ર તાત્કાલિક નિંદ્રામાંથી જાગે અને ગુણવત્તાયુક્ત સમારકામ કરીને વાહનચાલકોને આ નર્કાગાર જેવી યાતનામાંથી મુક્તિ અપાવે. વળી, આ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવામાં આવે.