પાલેજમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઇદે મિલાદ પર્વની શાનદાર ઉજવણી, વરસતા વરસાદ વચ્ચે પણ ઝુલુસે મુહમ્મદીમાં મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા…

પાલેજમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઇદે મિલાદ પર્વની શાનદાર ઉજવણી, વરસતા વરસાદ વચ્ચે પણ ઝુલુસે મુહમ્મદીમાં મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા…
ઇસ્લામ ધર્મના મહાન અને આખરી પયગંબર મુહમ્મદ સાહેબના યૌમે વિલાદતની ભરૂચના પાલેજ ટાઉન સહિત પંથકના ગામોમાં મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. રબી ઉલ અવ્વલના માસની ૧૨ મી તારીખે ઇદે મિલાદ પર્વની ઉજવણી કરવામાં આવે છે. મળસ્કે ૪.૦૦ વાગ્યે મક્કા મસ્જિદ સહિત ટાઉનની વિવિધ મસ્જિદોમાં નબી સાહેબના વિલાદતના સમયે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા.
અંજુમને અનીસુલ ઇસ્લામ કમિટીના નેજા હેઠળ સવારે ૮.૩૦ કલાકે ઝુલુસે મુહમ્મદી મક્કા મસ્જિદ પાસેથી પ્રસ્થાન થઇ નગરના વિવિધ માર્ગો પરથી વરસતા વરસાદ વચ્ચે સલાતો સલામના પઠન સાથે રવાના થયું હતું.
મુસ્લિમ સમુદાયના લોકોના હાથમાં ઇસ્લામી પરચમ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સરકાર કી આમદ મરહબા દિલદાર કી આમદ મરહબાના ગગનભેદી નારાઓથી નગરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ઝુલુસે મુહમ્મદી ચિશ્તિયા નગર સ્થિત હજરત સૈયદ મોટામિયા સરકારના આસ્તાના પર પહોંચી નબી સાહેબના મુએ મુબારકની જિયારત કરી હતી. મક્કા મસ્જિદના ઇમામ સાહેબે દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે માટે દુઆ ગુજારી હતી. ઇદે મિલાદ પ્રસંગે મુસ્લિમ સમુદાયના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર કોમલબેન વ્યાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. ..
:- ..ભરૂચ…******(*માંચ મોહસીન કારા રિપોર્ટર**)